Donate
5 Aug, 2024
સંસ્થાનવાદી આફતનિવારણ અને સ્વરાજ (DRR and Self-rule)

By Mihir R. Bhatt, All India Disaster Mitigation Institute, India

 

છેલ્લા બે દાયકાથી વધુ અને વધુ મને લાગે છે કે આફતનિવારણ અને સ્વરાજ આપણે ધારીયે છીએ તેના કરતાં ઘણાં વધુ એકબીજા સાથે જોડાયેલા છે.

આફતનિવારણ ક્યાં તો સ્વરાજ તરફ લઈ જઈ શકે છે (DRR can help build or break self-rule) અથવા તો સ્વરાજના અંશોનો — રાષ્ટ્રમાં અને નાગરિકોમાં — ધીરે ધીરે નાશ કરી પરાધીન કરી શકે છે. દાખલા તરીકે કચ્છના જે સમાજો સદીઓથી દુકાળનો સામનો પોતાની મેળે કરતા હતા તે હવે સરકારી રાહત માટે ઘણી વાર રાહ જુએ છે. ઉનાળાની લૂ થી બચવા ગામે ગામ પરબ બંધાવી ને હવે સરકારી કૂલીંગ સેન્ટરની રાહ જુએ છે.

તે જ રીતે સ્વરાજ એટલે કે આપણે આપણા સમય, શક્તિ, સાધનો, અને સદ્ વિચારોના સંપૂર્ણ મુખત્યાર હોઈએ તેવા સ્વરાજમાં આફતનિવારણ આવી જાય છે. (Self-rule includes self-rule during crisis). સ્વરાજ ભોગવતો સમાજ સરકારી આફતનિવારણ પર જ આધારિત ન હોઈ શકે. સ્વરાજ ભોગવતો અસરગ્રસ્ત સમાજ સ્વૈચ્છિક સંસ્થાઓ કે દાનવીરોની રહેમ પર આફતનિવારણ કરવા આધારિત ન હોઈ શકે. સ્વરાજ ભોગવતો સમાજ આફતનિવારણ પણ પોતાની મેળે કરે છે. આનો અર્થ એમ નથી કે ગરીબમાં ગરીબ અસરગ્રસ્તને નિઃસહાય રાખી તેના ભાગ્ય પર મૂકવો કે સરકારને તેની આફતનિવારણની જવાબદારીમાંથી જવા દેવી. પરંતુ સરકાર અને સમાજે અસરગ્રસ્તને તેના આફતનિવારણના કામોમાં મદદ કે ટેકો કરવો પરંતુ ક્યારેય બાજી હાથમાં ન લઈ લેવી.

આ વાતો મને આફતોથી અસર પામેલા છેવાડાના બહેનો, બાળકો, કામદારો, અને લઘુમતી નાગરિકો પાસેથી સમજવા મળી છે. ઘણા બધા ત્રણ દાયકાના લાંબા સમયના અને વિવિધ વિસ્તરેલી ત્રીસથી વધુ આફતોના અનુભવોને નીચેના ચાર વિચારો આસપાસ દૃઢ કરૂં છું.

  1. આફતનિવારણની સમજ, જાણકારી, માહિતી, અને વિચારો સમાજના પોતાના અનુભવમાંથી જેટલા ઊભા થયેલા હોય તેટલા વધુ અસરકારક થાય છે. અને આફતનિવારણના સ્વરાજ તરફ લઈ જાય છે. મારા ગામમાં આવેલું પુર મને કેમ અસર કરે છે તે મારા માટે અને મારા ગામના અધિકારીઓ અને પૈસાદાર લોકો માટે જાણવું બહું અગત્યનું છે જો અસરકારક આફતનિવારણ કરવું હોય તો. આપ સમજ જેવી કોઈ સમજ નથી. (Self-awareness is best DRR awareness)
  2. આફતનિવારણમાં સરકારી પૈસા, પછી ભલેને તે રાહત હોય કે પુનર્રચનાની મૂડી હોય, તેના કરતા સ્થાનિક સમાજની પોતાની મૂડી, પોતાની રાહત, અને પોતાનુ દાન ટૂંક સમયમાં વધુ અસરકારક બને છે અને આવા પૈસા આફતને ટાળવામાં ખુબ ઉપયોગી છે. કારણ કે પોતાના પૈસા હોવાથી સમાજ પોતે વિચારી સમજી અને થોડી મૂડી રોકાણથી વધુ લાભ થાય તે તરફ વિચારે છે, અમલ કરે છે, બગાડ અને ખાયકી રોકે છે, અને પૂરાં અને પાકાં ફળની રાહ જુએ છે. પોતાના પૈસા સૌથી ઉપયોગી રાહત આપે છે. (Self-saving is best DRR relief)
  3. આફતનિવારણનું સ્થાનિક સંચાલન વધુ સારા, સરળ, અને સફળ પરિણામ લાવે છે. મારા ગામમાં આવતી આફત માટે મારે મારા સમાજના કોની જોડે કેવું વ્યવસ્થાપન કરવું તે સૌથી અગત્યનું છે અને તેના પછી જ જીલ્લા આફતનિવારણ આયોજન કે રાજ્ય આફતનિવારણ આયોજન કે રાષ્ટ્રીય આફતનિવારણ આયોજન આવે છે. રાષ્ટ્ર નાગરિકોનો બનેલો છે અને તેથી જ સલામત રાષ્ટ્ર સલામત નાગરિકોથી બનેલું હોવું જોઈએ. આપ સલામત તો રાષ્ટ્ર સલામત. (Self-management is best DRR management)
  4. અત્યારે પણ જે ઝડપથી આફતો વધતી જાય છે, તેની અસર સમાજ પર નકારાત્મક રીતે પડતી જાય છે તેની સામે સરકારી, ખાનગી અને સ્વૈચ્છિક સંસ્થાઓની આફત ટુંપણી પડે છે. બે વચ્ચે ગાળો વધતો જાય છે. આ ગાળો પુરવા અને વધતી આફતો કરતા આફતનિવારણ વધુ ઝડપથી આગળ લઈ જવાનો સૌથી સહેલો અને અસરકારક પહેલો ઉપાય ફક્ત સ્થાનિક સમાજે પોતે લીધેલા દૂરંદેશીના નિર્ણયો જ છે. આગ લાગે તે પહેલાં કૂવો ખોદવાનો વિચાર અને અમલ સ્થાનિક સમાજે કરવાનો છે અને નહીં કે રાષ્ટ્રિય તંત્રોએ. (Self-anticipation action is best preparedness)

ઉપર જણાવ્યા પ્રમાણે સ્વરાજ (Self-rule) એટલે મને પહોંચતી આફતનું હું પોતે મને યોગ્ય લાગે તે રીતે, મારા સાધનોને જોતા, અને બાકીના બધાને મારી જરૂરિયાત અને ક્ષમતા પ્રમાણે આફતનિવારણમાં (Disaster Risk Reduction) સાંકળું તે જ સાચું અને અસરકારક આફતનિવારણ છે. બાકી ઉપરથી નીચે આવતું, પૈસાના બળે ચાલતું, તંત્રોના વેગથી ધકેલાતું, અને અસમાનતા વધારતું આફતનિવારણ સંસ્થાનવાદી (Colonial) આફતનિવારણ જ રહેશે પછી ભલે તે રાહતના સાધનો, ટેકનોલોજી, વિચારો, અને દર્શન વૈજ્ઞાનિક અને પૂરાવા ઉપર આધારિત હોય. (Postcolonial DRR is not postcolonial if it does not build or stand on self-rule)

Subscribe to Our Newsletter

Join our mailing list to stay up to date on all
The latest news and events from AIDMI

Subscribe to our Newsletter!